શ્રીજી ટાવર્સ આગ : કરોડો રૂપિયાના દાવા માટે લગાડાઈ આગ
ટાવર્સના સ્થાનિક રહીશોનો દાવો : તપાસ અધિકારીની ચુપકીદી :
અમદાવાદ : શહેરના હિમાલયા મોલ નજીક આવેલા શ્રીજી ટાવર્સના બેઝમેન્ટમાં ગત સોમવારના રોજ અચાનક આગ ભડકી ઉઠી હતી.જેના પરિણામે ટાવર્સના રહીશો છતાં ઘરે બેઘર બન્યા છે. ઘટનાને અંદાજે ચાર દિવસ વીતવા આવ્યા છતાં બેઝમેટમાં ગેરકાયદે ટાયર ગોડાઉન ઘરાવતી કંપની હેમંત ટાયર્સ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત ગેરકાયદે રીતે બેઝમેન્ટ ભાડે આપનાર ટાવર્સના સેક્રેટરી સામે કોઈ કાર્યવાહી કરવામાં હજુ આવી નથી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વીમાના મોટા દાવા માટે ગોડાઉનમાં આગ લગાડવામાં આવી હતી. સેક્રેટરી અને હેમંત ટાયર્સના માલિક વચ્ચેની મિલીભગતથી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એક સ્થાનિકે કહ્યું હતું કે જ કંપનીએ મોટી રકમ મેળવવા માટે આગનું કાવતરું રચ્યું હતું, કંપનીએ સવા કરોડનો માલ બળી ગયો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ટાટા ઇન્શ્યોરન્સ પાસે 5 કરોડ રૂપિયાનો હેમંત ટાયર્સે કલેમ કર્યો છે .
સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા ડીસીપી જયરાજ સિંહ રાઠોડના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી લીધેલા વિવિધ નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે . ક્રિમિનલ ઓફેન્સ હશે તો અમે કડકમાં કડક પગલાં લઈશું. પરંતુ આ રેસિડેન્શિયલ ટાવર્સને કોમર્શિયલ કોણે કર્યું તે અમદાવાદ મહાનગર પાલિકાની તપાસનો વિષય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારે ભર બપોરે શ્રીજી ટાવર્સના બેઝમેન્ટમાં આગ લાગ્યા પછી સ્થાનિક રહીશોને જાણ થઈ કે બેજમેન્ટમાં ટાયરનો ગોડાઉન છે. ટાવર્સના સેક્રેટરીએ સ્થાનિક રહેશોને અંધારમાં રાખી ગોડાઉન બારોબાર હેમંત ટાયર્સને ભાડે આપ્યું હતું.
દરમ્યાન સ્થાનિક રહીશોને આગની ઘટના બાદથી પોતાનું ઘર છોડીને અન્યત્ર રહેવું પડી રહ્યું છે.