પેરા બેડમિંટનમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી પારૃલ પરમારે જકાર્તામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો છે . એશિયન પેરા ગેમ્સના સાતમા દિવસે ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાસલ કરી.ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા બેડમિંટન ખેલાડી પારૃલ પરમારે અહીં ચાલી રહેલી પેરા ગેમ્સમાં મહિલાઓની એસએલ-૩ કેટેગરીની સિંગલ્સ બેડમિંટન ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી . પારૃલે ફાઈનલમાં થાઈલેન્ડની વેન્ડી કામતામને ૨૧-૯, ૨૧-૫થી આસાનીથી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો.પારૃલે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંગલ્સ કેટેગરીમા અને ડબલ્સ કેટેગરીમાં બેવડા ગોલ્ડ મેડલ જીત્યા.
પેરા એથ્લીટ્સને વિશિષ્ટ સિદ્ધિ છતાં સ્પોન્સર્સ મળતાં નથી : પારૃલ
એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડન સફળતા મેળવનારી ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી પારૃલ પરમારે કહ્યું કે, હું ગુજરાતમાં એસએઆઇના કોચની સાથે કામ કરી રહી છું. મારૃ હવે પછીનું લક્ષ્ય પેરાલિમ્પિકમાં સફળતા મેળવવાનું છે. જોકે તે અગાઉ આવતા વર્ષે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હું ડબલ ગોલ્ડને જાળવી રાખવા ઉતરીશ.
પારૃલે એમ પણ કહ્યું કે, આગામી લક્ષ્યને હાંસલ કરવા માટે મને મારી ઓફિસની મદદની જરુર છે. મારે સ્પોન્સર્સની પણ જરુર છે. જ્યારે અમે વિદેશમાં રમવા જઈએ છે, ત્યારે અમારી પાસે સ્પોન્સર્સ હોતા નથી અને અમારે ખુદ અમારા ફંડની વ્યવસ્થા કરવી પડે છે. હું સરકારને વિનંતી કરું છું કે, તેઓ અમને મદદ કરે.