ચૂંટણી પંચે એક જાહેરનામુ બહાર પાડી રાજ્યસભા ચૂંટણીમા મતપત્રકોમાં નોટાના વિકલ્પને મંજૂરી આપી હતી જેને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીઘી છે.
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યુ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પનો ઉપયોગ નહી કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે નોટાનો વિકલ્પ પ્રત્યક્ષ ચૂંટણીમાં જ હોવો જોઇએ કારણકે તેને જનતાના ઉપયોગ માટે બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠે આપ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેશ મનુભાઇ પરમારની અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 30 જુલાઇએ સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસની અરજી પર સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કોંગ્રેસ સાથે એનડીએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીના બેલેટ પેપરમાં નોટાના વિકલ્પ માટે ચૂંટણીપંચના જાહેરનામાં પર જવાબ માગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યસભા ચૂંટણીમાં જો કોઇ સભ્ય પક્ષના આદેશ મુજબ મતદાન ના કરે તો પક્ષ તેની હકાલપટ્ટી પણ કરી શકે છે. આવા ગેરબંધારણીય કૃત્યમાં એક બંધારણીય અદાલતને શા માટે પક્ષકાર બનાવવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્ર્રેસ સાથે એનડીએ સરકારે પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા (નન ઓફ ધ એબોવ) વિકલ્પની જરુર નથી. આ વિકલ્પ માત્ર લોકસભા અને વિધાનસભાની પ્રત્યેક ચૂંટણીમાં જ લાગુ પાડવો જોઇએ.
ઓગસ્ત 2017ના રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતના ધારાસભ્યોને નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, ચૂંટણી પંચે ત્યારે કહ્યુ હતુ કે આ જોગવાઇ સુપ્રીમ કોર્ટના ગત નિર્ણયના આધારે કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે ચૂંટણી પંચના આ જાહેરનામાં પર આપત્તિ વ્યકત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ઉપલા ગ્રુહના સભ્ય પોતાના પક્ષના આધાર પર મત આપવા માટે બંધાયેલા હોય છે
NOTA હવેથી નહિ રાજ્યસભામાં..
