વડાપ્રધાન મોદી આગામી વર્ષે IPLનુ આયોજન દેશમાં કરાવવાનો પડકાર ઝીંલશે?
વર્ષ 2009માં આઇપીએલનુ આયોજન દક્ષિણ અફ્રિકામાં કરાયુ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રમાડવાની અને સુરક્ષા આપવાનો દાવો કર્યો હતો.
અમદાવાદ : આગામી વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણીમાં જીતવાનો પડકારને પાર પાડવા વડાપ્રધાન મોદીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીઘી છે. પરંતુ આગામી વર્ષે યોજાનારી હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન ક્રિકેટ લીગ (આઇપીએલ) આયોજન દેશમાં કરાવવાનો પડકાર ઝીંલશે કે નહી તેના પર ક્રિકેટ પ્રેમીઓ જ નહી દેશવાસીઓની પણ નજર રહેશે.
આગામી વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણી એપ્રિલથી મે મહિનામાં યોજાવાની શકયતા છે. તો બીજીબાજુ દર વર્ષની જેમ આઇપીએલ પણ માર્ચથી એપ્રિલના ગાળામાં યોજાશે. આ ઉપરાંત હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતો કુંભ મેળો પણ જાન્યૂઆરીથી માર્ચ મહિના સુધી યોજાશે. ત્યારે દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ 2019નુ વર્ષ મોદી સરકાર માટે અત્યંત પડકારજનક બની રહેશે.ચૂંટણી અને કુંભ મેળાને તો સુરક્ષા આપવી એ તો કેન્દ્ર સરકાર માટે અનિવાર્ય જ છે. પરંતુ શુ વડાપ્રધાન મોદી આઇપીએલનુ આયોજન દેશમાં કરાવી વિપક્ષ કોંગ્રેસ પર ચૂંટણી પ્રચારના કટોકટી સમયે આકરા પ્રહાર કરવાની તક ઝડપી લેશે કે નહી તે મહત્વપૂર્ણ બની રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધી રમાયેલ 11 સિઝન પૈકી બે સિઝન ભારત બહાર રમાડવાની ફરજ પડી છે. જેના પાછળનુ કારણ છે લોક્સભાની સામાન્ય ચૂંટણી. વર્ષ 2008થી શરૂ થયેલ આઇપીએલની બીજી સિઝન એટલે કે વર્ષ 2009ને કોંગ્રેસના નેત્ત્રુત્વ હેઠળની યૂપીએ -1 સરકારે લોક્સભાની ચૂંટણીના પગલે સુરક્ષા આપવાનો ઇન્કાર કરી દીઘો હતો. જેના પરિણામે આઇપીએલનુ આયોજન કરતા વિશ્વના સૌથી ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇને તેને દક્ષિણ અફ્રિકામાં ખસેડવાની ફરજ પડી હતી.
તે સમયે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે આઇપીએલને ભારત બહાર ખસેડવાનો વિરોધ કરતા કેન્દ્રની યૂપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ તે વખતે કહ્યુ હતુ કે જે સરકાર 11 ખેલાડીઓને સુરક્ષા આપી શક્તી નથી તે શુ ૧૧૧ કરોડ લોકોનુ રક્ષણ કરી શકશે. તેમણે તો આઇપીએલની આખી સિઝન ગુજરાતમાં રમાડવાનો અને તેને સુરક્ષા આપવાનો દાવો પણ કર્યો હતો. જો કે મોદીનો આ દાવો ગુજરાતાના તત્કાલિન પોલીસ વડા એસ એસ ખંડવાવાલાના એક નિવેદનથી વિવાદમાં આવી ગયો હતો. તત્કાલિન પોલીસ વડા એસ એસ ખંડવાવાલાએ ત્યારે કહ્યુ હતુ કે ચૂંટણીના સમયે આઇપીએલની મેચોને સુરક્ષા આપવી પોલીસ તંત્ર માટે મુશ્કેલ છે.
આ જ પ્રમાણે વર્ષ 2014માં પણ ફરી એક વખત લોક્સભાની ચૂંટણીઓ અને આઇપીએલની સિઝન ફરી એક સાથે આવી હતી.તે વખતે પણ કેન્દ્ર સ્થિત કોંગ્રેસના નેત્ત્રુત્વ હેઠળની યૂપીએ -2 સરકારે આઇપીએલને સુરક્ષા આપવી મુશ્કેલ હોવાનો કહ્યુ હતુ. જેના પગલે સિઝનની શરૂની 20 મેચ યૂનાઇટેડ અરબ અમિરાત (યુએઇ)માં રમાડવામાં આવી હતી.
હવે પાંચ વર્ષ પછી ફરી આગામી વર્ષે એટલે કે 2019માં લોક્સભાની ચૂંટણી અને આઇપીએલની સિઝન એક સાથે આવી રહી છે. ત્યારે માત્ર ક્રિકેટ પ્રેમીઓની જ નહી પરંતુ સમગ્ર દેશવાસીઓની નજર વડાપ્રધાન મોદી પર કેન્દ્રિત રહેશે તે નિશ્ચિત છે.
સામાન્ય રીતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરવાની તક જવા દેતા નથી. આ ઉપરાંત તેઓ આફતને અવસરને પલટવા માટે પણ જાણીતા છે. ત્યારે શુ વડાપ્રધાન મોદી લોક્સભાની ચૂંટણીના માહોલમાં આ સોનેરી તક ઝડપીને ફરી વડાપ્રધાન બનવાનો તખ્તો તૈયાર કરશે કે નહી તે તો આગામી વર્ષે જ ખબર પડશે.