Friday, May 22, 2020
Home > Gujarat > મહોત્સવમાં કરોડોના ખર્ચા..

મહોત્સવમાં કરોડોના ખર્ચા..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

મહોત્સવમાં કરોડોના ખર્ચા.. ગુજરાત એટલે મોજીલું,જોશીલું ને ઉત્સવપ્રિય.અનેક તહેવારો,મેળા,ઉત્સવોમાં-મહોત્સવમાં મસ્ત રહેતું,મન મૂકી ને ગુમતું,રમતું,ગાજતું અને થનગનાટ કરતું આપણું ગુજરાત… પરંતુ આપણા ગુજરાતની આ વાસ્તવિકતા સાથે સાથે કેટલીક વરવી વાસ્તવિકતા એ પણ છે કે ફિક્સ પગારદારોના પ્રશ્નો, આંગણવાડી મહિલા કર્મચારીના પ્રશ્નો, મોંઘવારી-બેરોજગારીના પ્રશ્નો, ટેકાના ભાવ ન મળતા બેહાલ ખેડૂતોના પ્રશ્નો, છતાં સરકાર દ્વારા પતંગોત્સવ, રણોત્સવ ને નવરાત્રીમાં ધૂમ ખર્ચા શુ સૂચવે છે ? કેટલીક આંકડાકીયને અધિકૃત માહિતી જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા કુલ 14 પ્રકારના ફેસ્ટિવલ વર્ષ 2016 અને 2017 માં કરવામાં આવ્યા હતા.જેમાં પતંગોત્સવમાં વર્ષ 2016 માં 634.25 લાખ અને 2017 માં 757.37 લાખનો ખર્ચ કર્યો હતો.જ્યારે નવરાત્રીમાં વર્ષ 2016 માં 692.52 લાખ અને વર્ષ 2017માં 953.94 લાખનો અધધ ખર્ચ કર્યો હતો.હવે પુનઃ નવરાત્રી આવી છે,ત્યારે આ રકમની વૃદ્ધિ થશે ? આમ કુલ 14 પ્રકારના ઉત્સવોને રાજ્યાશ્રય એટલે કે આર્થિક પીઠબળ આપી,સરકારે ઉજવ્યો હતો.જેમાં વર્ષ 2016 માં 2114.60 લાખ ને વર્ષ 2017માં 4094.72 લાખનો ફૂલી ધુમાડો કરી નખાયો છે… તમને જાણી ને નવાઈ લાગશે કે આ ઉત્સવો પાછળ તેની પબ્લિસિટી-જાહેરાતો પાછળ પણ લખોનો ખર્ચ થયો છે.ટી.વી અખબારોની જાહેરાત માટે રૂ 398.17 લાખ, હોટેલનો ખર્ચ રૂ 126.47 લાખ, વાહન વ્યવહારનો ખર્ચ રૂ 279.82 લાખ અને અદ્યતન ડેકોરેશનનો ખર્ચ 5404.86 લાખ… સરકાર દ્વારા આ પ્રકારના ઉત્સવ ઉજવવાનું બીજું કારણ વિદેશી પર્યટકો ને રાજ્યમાં લાવવાનું અને રોકાણકરો રાજ્યમાં ધંધો રોજગારી લાવે તે પણ છે.પરંતુ વર્ષ 2016 માં આ ઉત્સવમાં આવેલા વિદેશી પર્યટકો 2218 છે જે 2017માં વધી 2722 થયા છે.હવે આ વિદેશી પર્યટકો એ ગુજરાતને શુ કમાણી કરી આપી તે યક્ષ પ્રશ્ન છે ? લાખો કરોડોના ખર્ચે થતા ઉત્સવો કેટલા વ્યાજબી ? આ મૂડી રાજ્ય સરકાર દ્વારા અન્ય વિભાગના વિકાસમાં વપરાઈ હોત તો કેટલું સારું..ઉપરોક્ત આપેલા આંકડા મારા કે કોઈ વિરોધી પક્ષના નથી,ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં તા 19મી માર્ચે 2018ને સોમવારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ છે.જે રાજ્યના પ્રવાસન મંત્રીએ આપેલા અધિકૃત આંકડાઓ છે. હવે જાગૃત નાગરિકો, મતદાતાઓ એ ચિંતા અને ચિંતન બન્ને કરવાની જરૂરિયાત થઈ રહી છે કે આ કરોડોનો ધુમાડો શુ કામનો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *