ગાંધીનગરમાં કોરોના વાયરસે લોકડાઉન જાણે કે તોડી નાંખ્યુ છે. સમગ્ર ગુજરાતમાં પોઝિટિવ કેસોના મામલે ગાંધીનગર ચોથા ક્રમે આવે છે. ગાંધીનગર શહેર બાદ હવે કોરોનાએ ન્યુ ગાંધીનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કર્યો છે. જે ગાંધીનગર સલામત હતું તે હવે અમદાવાદ કનેક્શનને કારણે અસલામત બની ગયુ છે. શુક્રવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા બાદ પોઝિટિવ કેસનો આંક શતક નજીક પહોંચી ગયો છે. ત્યારે આજે ફરી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણના બોમ્બ ફૂટ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ નોંધાતા હાહાકાર મચ્યો હતો.
ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણના આજે આવેલા કેસની વાત કરીએ તો કલોલમાં 6, વાવોલમાં 2, ઝુંડાલમાં 3 કેસ, બદપુરા, રાંધેજા, છાલામાં એક એક કેસ સામે આવ્યા છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસનો રાફડો ફાટતા કલોલને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. આજે સાંજથી કલોલમાં સંપૂર્ણ લ઼ૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. સાંજે 6 વાગ્યાથી કલોલ સંપુર્ણ બંધ થઈ જશે. કલોલમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થતા દૂધ, દવા, હોસ્પિટલ જ ચાલુ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં આવતા કલોલમાં વધતું જતું કોરોનાંનું સંક્રમણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. કલોલમા આજે બીજા વધુ નવા 6 કેસ પોઝીટીવ નોંધાયા છે. કલોલનાં હિંમતલાલ પાર્કમાં આજે બીજા 6 જેટલા કેસ પોઝીટીવ આવ્યા છે. આ સાથે કલોલનો પોઝીટીવ સંખ્યાનો આંકડો 16 સુધી પહોંચી ગયો છે.
બીજા દિવસે સતત વધુ 14 કેસો નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર ચોંકી ઊઠયું છે. ગાંધીનગર શહેરમાં કોરોનાના આજદિન સુધીમાં 39 કેસ નોંધાયા છ. તેમાં સેક્ટર-29, 2 અને 24માં સાત-સાત તથા સેક્ટર-3માં પાંચ અને 3ન્યુ તથા સે-8માં બબ્બે જ્યારે સેક્ટર-23માં 3 અને તે સિવાયના અન્ય સેક્ટરોમાં એક-એક કેસ નોંધાયા છે. ગાંધીનગર સિટીના કુલ 30 સેક્ટરો પૈકી 12 સેક્ટરોમાં કોરોનાએ દસ્તક દઈ દીધા છે.
કોરોનાનો વ્યાપ અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગરમાં હવે સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી કરાયો છે. જ્યારે વાવોલ અને કુડાસણ ગ્રામપંચાયત દ્વારા દવા અને દુધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ કરવા આદેશ કર્યો છે. આ બંને પંચાયત વિસ્તારમાં આગામી 17 મે સુધી તમામ ધંધા-વ્યાપાર બંધ કરવાના આદેશો જારી કરાયા છે. ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લામાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે.