ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે.
10 સપ્ટેમ્બરથી શરૂ થઇ શકે છે ચોમાસુ સત્ર : ત્રણ દિવસ કે પાંચ દિવસનુ યોજાશે સત્ર
અમદાવાદ : ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં યોજાશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વિધાનસભાનુ ચોમાસુ ત્રણ દિવસીય કે પાંચ દિવસીય સત્ર યોજાવામાં આવી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાના ચોમાસા સત્ર યોજવા માટે સચિવાલયમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે જન્માષ્ટમી અને નોમ જેવા તહેવારો સપ્ટેમ્બરની શરૂઆતમાં જ આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો મીની વેકેશન જેવો માહોલ હોય છે. જેથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સત્ર યોજવુ મુશ્કેલ છે. જ્યારે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ એટલે કે 10 તારીખથી શરૂ થતા સપ્તાહમાં યોજવામાં આવી શકે છે. કારણ કે પછી 13 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થશે. આગામી વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણી પહેલા મતદારોને સામૂહિક રીતે મળવાનો મોકો સરકાર જવા દેવા ઇચ્છતી નથી. જેથી પછીના દિવસોમાં સત્ર યોજવુ મુશ્કેલ છે. જો કે સત્ર ત્રણ દિવસનુ રાખવુ કે પછી પાંચ દિવસનુ રાખવુ તે અંગે હજુ નિર્ણય કરવાનો બાકી છે.
ચોમાસુ સત્રમાં સરકાર તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદમાં કરેલા રાહત અને બચાવ કાર્ય અંગે ભાર મુકવામાં આવશે.જ્યારે વિપક્ષ વરસાદની સ્થિતિમાં સરકાર લોકોને રાહત આપવામાં નિષ્ફળ ગઇ હોવાના મુદ્દે પસ્તાળ પાડશે. આ ઉપરાંત રાજ્યમાં દલિતો પર થતાં અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી શકે છે.